Header Ads

હજારો બાળકો શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમથી વંચિત રહેશે

હજારો બાળકો શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમથી વંચિત રહેશે
નડિયાદ તાલુકામાં પ્રચાર- પ્રસારના અભાવે
તાલુકાના આઠ પીએચસીના તબીબો અને સ્ટાફને કાર્યક્રમમાં રસ જ નથી
 નડિયાદ, તા. ૨૬
સરકાર દ્ધારા શરૃ કરવામાં આવેલ શાળા આરોગ્ય કાર્યક્રમ સંદર્ભે  નડિયાદ તાલુકાના આરોગ્ય તંત્ર દ્ધારા યોગ્ય પ્રચાર અને પ્રસારના અભાવે તાલુકામાં  સરકારના આ કાર્યક્રમને સાવ નબળો પ્રતિસાદ સાંપડી રહ્યો હોવાની ફરિયાદ ઉઠી છે. જાણકારો તો ત્યાં સુધી જણાવે છે કે જો તાલુકા આરોગ્ય તંત્રની કામગીરી આવી જ રીતે નબળી રહેશે તો હજ્જારો બાળકો આરોગ્ય કાર્યક્રમથી વંચિત રહી જશે !  નડિયાદ તાલુકામાં ૮ જેટલા  પી.એચ.સી. આવેલા છે. જેના તબીબો અને આરોગ્ય સ્ટાફ દ્ધારા આ કાર્યક્રમમાં ખાસ કોઈ રસ દાખવવામાં આવતો ન હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. ખાસ તો ગરીબ બાળકોને આરોગ્ય કાર્યક્રમનો લાભ મળતો ન હોવાથી તેમના વાલીઓને બીમારીના સમયે મોટી રકમ ખર્ચી ખાનગી હોસ્પિટલોમાં સારવાર કરાવવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.
તા. ૧૩ નવેમ્બરથી શરૃ થયેલા શાળા આરોગ્ય કાર્યક્રમ વિશે સરકાર તરફથી મોટી મોટી જાહેરાતો કરવામાં આવી છે. ખેડા જિલ્લામાં જિલ્લાકક્ષાના આરોગ્યતંત્ર દ્ધારા આ બાબતમાં યોગ્ય કામગીરી કરવામાં આવે તેવી અપીલ પણ કરાઈ છે. પણ કોઈ અગમ્ય કારણોસર નડિયાદ તાલુકાના આરોગ્ય તંત્ર તરફથી ચાલુ વર્ષે શાળા આરોગ્ય કાર્યક્રમનો યોગ્ય પ્રચાર પ્રસાર કરવામાં બેદરકારી અને ઉદાસીનતા દાખવવામાં આવી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. તાલુકામાં પીજ, મહોળેલ, સલુણ, અલિન્દ્રા સહિત અન્ય જગ્યાએ મળી આઠ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (પી.એચ.સી.) આવેલા છે. આ આરોગ્ય કેન્દ્રો તરફથી શાળા આરોગ્ય કાર્યક્રમ શરૃ થતા પહેલાં અને હાલમાં  તેનો યોગ્ય પ્રચાર અને પ્રસાર કરાયો નથી.
પરિણામ સ્વરૃપે ગ્રામ્ય પ્રજા આ બાબતથી અજાણ હોવાનું જાગૃત નાગરિકો જણાવે છે. કાર્યક્રમ શરૃ કરાયે બે સપ્તાહ વીતી ગયા છેે. નડિયાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલ શાળાઓમાં ઘણી વખત આરોગ્ય તંત્રનો સ્ટાફ સમયસર જતો નથી. તો ઘણી શાળાઓમાં બાળકોના આરોગ્યની તપાસણી બાબતે કોઈ કામગીરી કરવામાં આવતી નથી ! હજુ તો આગામી દોઢ માસ સુધી આ કાર્યક્રમ ચાલનાર છે ત્યારે શરૃઆતના તબક્કાથી જ તાલુકા આરોગ્ય વિભાગની આળસ અને બેદરકારીના કારણે હવે તમામ બાળકોને સરકારની આ યોજનાનો લાભ મળશે નહીં તેવું ચર્ચાય છે. પરિણામે હજ્જારો બાળકો આરોગ્ય તપાસણીથી વંચિત રહી જવાની દહેશત જાગૃતજનો દ્ધારા વ્યકત કરાઈ છે.

બ્લોક હેલ્થ ઓફિસર કહે છે, બાળકો આવતા નથી
નડિયાદ, તા. ર૬
આ બાબતે નડિયાદ તાલુકાના બ્લોક હેલ્થ ઓફિસર ર્ડા. રાજેન્દ્રસિંહ પરમારને પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે શાળા આરોગ્ય કાર્યક્રમ બાબતે સ્કૂલના શિક્ષકમો અને પોસ્ટર બેનરોથી પ્રચાર કરવામાં આવ્યો છે. પણ ઘણાં બાળકોને સ્કૂલે આવવામાં રસ નથી. તેથી જ્યારે આરોગ્યનો સ્ટાફ સ્કૂલમાં જાય છે ત્યારે ઘણાં બાળકોની ગેરહાજરી જોવા મળે છે. આરોગ્ય સ્ટાફ સ્કૂલમાં જાય ત્યારે બાળકોને હાજર રાખવા માટે જણાવવામાં આવ્યું છે. સીડીએચઓ સાહેબ પણ મિટીંગમાં આ બાબતે ધ્યાન દોરે છે. તેથી બાળકોની પૂરતી સંખ્યા હોય તે જરૃરી છે.

No comments