Header Ads

આણંદમાં બોગસ માર્કશીટ કૌભાંડ: અનેક લોકો વિદેશ પહોંચી ગયાની આશંકા

આણંદ : આણંદ શહેરમાંથી બોગસ માર્કશીટ કૌભાંડ ઝડપાતાં ખળભળાટ મચ્યો છે. આણંદના બે ઇસમ બોગસ માર્કશીટ બનાવી વેચાણ કરતાં હોવાની બાતમી આધારે આણંદ શહેર પોલીસે ગુરુવારે મોડી રાત્રે એક ઇસમને બોગસ માર્કશીટ સાથે ઝડપી લીધો હતો. જોકે, આ બોગસ માર્કશીટ આધારે કેટલાક વિદેશ પહોંચી ગયાં હોવાની શંકાને લઇને પોલીસે ઊંડી તપાસ શરૂ કરી છે.

પોલીસના જણાવ્યાં મુજબ આણંદ શહેરમાં ભાલેજ રોડ ઉપર જૈન સોસાયટીમાં રહેતો ભૌમિકકુમાર પ્રફુલ્લભાઇ પારેખ બોગસ માર્કશીટ બનાવી તેનું વેચાણ કરતો હોવાની ગુપ્ત બાતમી શહેર પોલીસને મળી હતી. આ બાતમી આધારે પોલીસે તેની ચુપકીદીથી તપાસ શરૂ કરી હતી, જેમાં ભૌમિક અને તેનો સાગરીત આણંદનો ચિરાગ સુધીરભાઇ પટેલ બંને જણાં ભેગા થઇ બોગસ માર્કશીટ બનાવતાં હોવાની પાકી માહિતી મળી હતી. આ બંને ઇસમને પડકવા માટે પોલીસે ડમી ઉમેદવાર ઉભો કરી સોદો નક્કી કર્યો હતો.

બોગસ માર્કશીટની ડીલીવરી કરવા માટે ભૌમિકકુમાર પ્રફુલ્લભાઇ પારેખે ડમી ઉમેદવારને ગુરુવારે મોડી રાત્રે આણંદમાં શાસ્ત્રીબાગના મેઇન ગેટ પાસે બોલાવ્યો હતો. રાત્રિના સવા દસ વાગ્યે નક્કી થયાં મુજબ ડમી ઉમેદવાર શાસ્ત્રીબાગે ગયો હતો, જ્યાં આવેલા ભૌમિકે તેને બોગસ માર્કશીટ આપી હતી. ડીલીવરી થતાં જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.બી.તોમર અને સ્ટાફના ઇશ્વરભાઇ, દિગ્વીજયસિંહ વગેરેએ ભૌમિકને ઝડપી લીધો હતો. તેની પાસેથી બોગસ માર્કશીટ અને સ્કૂલ બેગ કબજે લીધી હતી.
 
વાંચો આગળ, કોમ્પ્યુટરનો ભેજાબાજ છે આરોપી, સીપીયુમાં બીજા ઘણા ડોક્યુમેન્ટની નકલો હોવાની આશંકા

સ્કૂલ બેગમાંથી ગુજરાત માધ્યમિક અન ઉ.માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરની બે ડુપ્લીકેટ માર્કશીટ ઉપરાંત ભૌમિકના પત્નીના નામની લોગો કાપી નાખેલી બે અસલ માર્કશીટ, આઇડીબીઆઇ અને બેંકના ચાર વીઝા કાર્ડ, પેન ડ્રાઇવ, મોબાઇલ ફોન વગેરે મળી આવ્યું હતું.બનાવટી માર્કશીટ બાબતે પુછપરછ કરતાં તે ચિરાગ સુધીર પટેલે બનાવી હોવાનું જણાવ્યું હતું. પોલીસે ઉક્ત તમામ ચીજવસ્તુઓ સાથે હીરોહોન્ડા બાઇક મળી કુલ 45 હજારનો મુદ્દામાલ કબજે લઇ ચિરાગ અને ભૌમિક સામે ગુનો નોંધ્યો હતો.,
 
કોમ્પ્યુટરનો માસ્ટર માઇન્ડ છે
પીએસઆઇ એમ.બી.તોમરે જણાવ્યું હતું કે ‘બોગસ માર્કશીટ સાથે પકડાયેલ ભૌમિક કોમ્પ્યુટરનો માસ્ટર માઇન્ડ છે. તેણે કોમ્પ્યુટરને લગતી તમામ ડીગ્રી હાંસલ કરલી છે.’
 
સીપીયુ કબજે લેવાયું
આણંદ શહેર પોલીસે ભૌમિકે કેટલી માર્કશીટો બનાવી તે જાણવા માટે તેનાં ઘરેથી સીપીયુ કબજે લીધું હતું. સીપીયુમાં તપાસ કરવામાં આવી હતી જોકે, તેમાં કોઇ માહિતી મળી નહોતી.
 
વાંચો આગળ, જાણીતી કંપનીનો કર્મચારી, ભેજાબાજને પકડવા માટે નકલી ગ્રાહક ઉભો કરાયો, માર્કશીટ મેળવનારાઓની પણ તપાસ કરાશે .....

જાણીતી કંપનીનો કર્મચારી
ભૌમિક પારેખ વિદ્યાનગર ખાતે આવેલી એક જાણીતી એન્જિનિયરિંગ કંપનીમાં આઈટી વિભાગમાં નોકરી કરે છે.મોટું પગાર પેકેજ ધરાવતાં ભૌમિકે ચિરાગ સાથે મળી બોગસ માર્કશીટ બનાવવાનું શરૂ કર્યું હતું.

નકલી ગ્રાહક ઉભો કરાયો
બોગસ માર્કશીટ કૌભાંડ ઝડપી પાડવા માટે શહેર પોલીસે નકલી ગ્રાહકને ઉભો કરી આરોપી પાસે નકલી માર્કશીટનો સોદો કરાવ્યો. આરોપી માર્કશીટ આપવા આવતાં તેને ઝડપી લીધો હતો.

માર્કશીટ મેળવનારની પણ તપાસ થશે
બોગસ માર્કશીટ મોટા ભાગે નોકરી અને ખાસ કરીને વિદેશ જવા માટે ઉપયોગમાં લેવાતી હોય છે. ભૌમિક અને ચિરાગે બનાવેલી માર્કશીટ આધારે કેટલાક વિદેશ પહોંચી ગયાં હોવાની શંકા છે. આ શંકા આધારે તપાસ શરૂ કરવામાં આવી છે. બોગસ માર્કશીટ આધારે વિદેશ ગયેલાં અને નોકરી મેળવનારાંઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવનાર છે.
 

No comments